તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે December 5, 2007
Posted by પ્રવિણકુમાર in Uncategorized.add a comment
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.
તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.
જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.
પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.
જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.
તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે
– બરકતઅલી વિરાણી ‘બેફામ’

રાધા…! August 30, 2007
Posted by પ્રવિણકુમાર in Uncategorized.1 comment so far

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા;
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
– મુકેશ જોશી
![]()
વૈષ્ણવજન તો તેને રે કહીયે.. August 1, 2007
Posted by પ્રવિણકુમાર in Uncategorized.add a comment
![]()

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને,દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામનામ શું તાળીરે વાગી,સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે,કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા,કુળ ઈકોતેર તાર્યા રે.
- નરસિંહ મહેતા
જય જય ગરવી ગુજરાત…!!! July 31, 2007
Posted by પ્રવિણકુમાર in Uncategorized.add a comment

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
- નર્મદાશંકર દવે ‘નર્મદ’
હવે જીવવુંુ પડશે..! July 31, 2007
Posted by પ્રવિણકુમાર in Uncategorized.add a comment

જો પ્રેમ હતોજ નહી એમને તો એકરાર શા માટે કર્યો ?
જો આપવુ હતુ ઝેર તો ઈઝહાર શા માટે કર્યો ?
આપીને ઝેર કહે છે કે પીવુ પડશે..!
અને જ્યારે પી ગયા ઝેર તો કહે છે હવે જીવવુંુ પડશે..!
- પ્રવિણકુમાર “પિયુ”
જીંદગી જીવવા રડવુ નથી…!!! July 31, 2007
Posted by પ્રવિણકુમાર in Uncategorized.add a comment

મરદની મોકાણમા જવુ ભલુ,
કાયરની જાનમા જવુ નથી…!!!
મોત આવે તો મીથી માણશુ…
જીંદગી જીવવા રડવુ નથી…!!!
- પ્રવિણકુમાર ‘પિયુ’
પ્રેમની કદર July 31, 2007
Posted by પ્રવિણકુમાર in Uncategorized.3 comments

જેને કદર ના હતી મારા પ્રેમની,
કમનશીબે હુ એનેજ ચાહી રહ્યો હતો,
એ જ દીવાએ સળગાવ્યો મારા હાથને
જેને હુ હવાથી બચાવી રહ્યો હતો…!!!
- પ્રવિણકુમાર ‘પિયુ’
શ્વાસ…!!! July 21, 2007
Posted by પ્રવિણકુમાર in Uncategorized.add a comment
ખુલ્લા આકાશમા રુંધાયો શ્વાસ મારો
શ્વાસ હતો પારકો એની મને ખબર ન હતી..!
- પ્રવિણકુમાર ‘પિયુ’